અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હંગામો મચ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ૨૫ જેટલા બંગલાઓને ગેરકાયદેસર જાહેર કરી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાતા રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે. લોકો પૂછે છે: "દાદાનું બુલડોઝર એક તરફ ચાલે તો ખુશી કેમ અને બીજી તરફ ચાલે તો માતમ કેમ?" આ પ્રશ્ન પાછળ છુપાયેલી વેદના અને અન્યાયની ભાવના સમજવા જેવી છે.
સ્નેહાંજલિ સોસાયટી ૧૯૮૩માં બાંધવામાં આવી હતી. ત્યારે બિલ્ડર કાંતિલાલ પટેલે આશરે ૨ લાખ રૂપિયામાં બંગલા વેચ્યા હતા. આજે તેની કિંમત ૨ કરોડને પાર છે. પરંતુ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જમીનનો વિવાદ ઉભો થયો. મૂળ માલિકે સુપ્રીમ કોર્ટમાં કેસ જીત્યો અને સોસાયટીને ૪૧ કરોડ રૂપિયા ચૂકવવા કે પ્લોટ ખાલી કરવાનો આદેશ આપ્યો. AMCએ કોર્ટના આદેશ મુજબ ડિમોલિશન નોટિસ આપી.
રહેવાસીઓનો આક્ષેપ છે કે બિલ્ડરે છેતરપિંડી કરી અને તંત્રએ ત્યારે પ્લાન પાસ કર્યો તો હવે ૪૦ વર્ષ પછી ગેરકાયદેસર કેમ? એક મહિલા ઉર્વશીબેન પટેલ અમેરિકાથી ૨.૫ લાખ રૂપિયા ખર્ચીને ઘર બચાવવા દોડી આવ્યા. તેમનો દાવો છે કે વળતરમાં માત્ર ૫ હજાર મળ્યા, બાકી ૨૫ હજાર બાકી છે. તેમણે કહ્યું, "મારું AC અને કિંમતી સામાન અંદર છે, પણ તંત્ર દબાણ કરે છે." અન્ય રહીશ શિલ્પાબેન પટેલે કહ્યું, "૧૯૮૩માં લોન લઈને ઘર બાંધ્યું, હવે લાગણીઓ જોડાયેલી છે."
પ્રદર્શન દરમિયાન મહિલાઓએ "હાય રે ભાજપ હાય"ના નારા લગાવ્યા. કેટલાકે આત્મદાહની ધમકી આપી. બીજેપી કોર્પોરેટર સમીર પટેલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. જોકે, વિરોધ પછી AMCએ નરમપણું દાખવ્યું અને ગુજરાત હાઉસિંગ બોર્ડની નરણપુરા સ્કીમમાં અસ્થાયી ફ્લેટ ફાળવ્યા. રહેવાસીઓએ આ સ્વીકારી લીધું અને ડિમોલિશન માટે સંમતિ આપી. હવે એક અઠવાડિયામાં સોસાયટી ખાલી કરાશે અને બુલડોઝર ચાલશે.
આ ઘટના ફરી એકવાર સવાલ ઉભા કરે છે કે ગેરકાયદેસર બાંધકામની જવાબદારી કોની? બિલ્ડરની કે તંત્રની? નિર્દોષ રહેવાસીઓને ૪૦ વર્ષ પછી શા માટે સજા? દાદાનું બુલડોઝર ક્યારેક દબાણ હટાવવા ચાલે તો વખાણાય છે, પણ અહીં તો પરિવારોના આંસુ સાથે માતમ છવાયો છે. શું આ ન્યાય છે?
સજ્જાદ અલી નાયાણી✍🏼