સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીએ ફરી એક કરુણાંતિકા સર્જી છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રત્નકલાકાર ઘનશ્યામભાઈ રામોલિયાએ આર્થિક તંગી અને બીમારીથી કંટાળીને એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું. આ ઘટનાએ પરિવારને ગહન આઘાત આપ્યો છે અને હીરા કામદારોની વધતી જતી હતાશા પર સવાલ ઉભા કર્યા છે.
ઘટના વિશે મળતી વિગતો અનુસાર, ઘનશ્યામભાઈ છેલ્લા એક વર્ષથી આંતરડાની બીમારીથી પીડાતા હતા, જેના કારણે તેઓ કામ કરી શકતા નહોતા અને બેરોજગાર બની ગયા હતા. તાજેતરમાં તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો, જે બાદ તેઓ ટેરેસ પર ગયા અને નીચે કૂદી પડ્યા. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતી મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બીમારી અને બેરોજગારીને આપઘાતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં 90% હીરાનું પોલિશિંગ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મંદીના કારણે હજારો કારીગરો બેરોજગાર બન્યા છે. આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોવાથી કામદારોની માનસિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
સજ્જાદ અલી નાયાણી ✍