સુરત, તા. ૧૧ શેરબજારના વેપારી પિતા અને જૈન ધર્મના સંયમ માર્ગે ચાલવા મક્કમ માતા વચ્ચે ૭ વર્ષની નાનકડી દીકરીના જીવનનો સવાલ અટકી પડ્યો છે. મુંબઈમાં યોજાનાર વાર્ષિક દીક્ષા મહોત્સવમાં પોતાની સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માતા આતુર છે, જ્યારે પિતા આટલી નાની ઉંમરે આવો મોટો નિર્ણય લેવાનો સખત વિરોધ કરી રહ્યા છે. આખરે પિતાએ સુરતની ફૅમિલી કોર્ટમાં અર્જી કરી દીક્ષા પર તાત્કાલિક રોક લગાવવાની માગ કરી છે.
પિતાનું નિવેદન રૂંવાડું ઊભું કરે તેવું છે. તેમણે કોર્ટમાં જણાવ્યું: “મને મારા પરિચિતોએ જણાવ્યું કે મારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે. એ પહેલાં મને કંઈ ખબર નહોતી. હું મારી પત્નીને સમજાવતો રહ્યો કે દીકરી મોટી થાય, પોતાના પગ પર ઊભી થાય, પછી જો એની ઈચ્છા હોય તો દીક્ષા લઈ લેશે. પણ હવે તો પત્નીએ જીદ પકડી છે કે ‘જ્યાં સુધી તું સંમતિ નહીં આપે ત્યાં સુધી ઘરે નહીં આવું.’”
છેલ્લા છ મહિનાથી દંપતી વચ્ચે પારિવારિક વિવાદ ચાલતો હોવાથી બાળકી માતા સાથે રહે છે. પિતાનો આરોપ છે કે માતા બાળકીને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરી નાની ઉંમરે જ સાધ્વી બનાવવા માગે છે.
પિતાના વકીલે કોર્ટમાં મુખ્ય દલીલ કરી કે: “આટલી નાની ઉંમરે બાળકી પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે એમ નથી. દીક્ષા એ જીવનભરનો સંયમ છે. બાળકીને શિક્ષણ, રમત-ગમત, સામાન્ય બાળપણનો અધિકાર છે. ભારતીય કાયદા અને બાળ અધિકારોના માળખામાં આવો નિર્ણય બાળકીના હિતમાં નથી.”
કોર્ટે માતાને ૨૨ ડિસેમ્બરે હાજર રહેવા નોટિસ પાઠવી છે અને ત્યાં સુધી દીક્ષા પર સ્ટે આપવાની પિતાની અરજી પર વિચારણા કરશે.
આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે કે: શું ધર્મના નામે નાના બાળકોનું બાળપણ છીનવી લેવું યોગ્ય છે? શું ૭ વર્ષની ઉંમરે સંન્યાસનો નિર્ણય બાળક જાતે લઈ શકે છે કે તે માતા-પિતાની ઈચ્છા કે સમાજનું દબાણ હોય છે?
આ કેસ હવે માત્ર એક પરિવારની લડત નથી, પરંતુ બાળ અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા અને પાલકોના હક્કો વચ્ચેના સંઘર્ષનું પ્રતીક બની ગયો છે.
૨૨ ડિસેમ્બરનો ચુકાદો ઘણા પરિવારો માટે દાખલો બની રહેશે.