ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની તાજેતરમાં ધ્રુવિન શાહ સાથે થયેલી સગાઈએ એક મોટો વિવાદ ઉભો કર્યો છે. આ સગાઈ પરિવારની પૂરી મરજીથી અને ખુશીથી થઈ હતી, પરંતુ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના કેટલાક આગેવાનોએ તેને આંતરજ્ઞાતિય ગણીને કિંજલના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને જ્ઞાતિવાદી પરંપરાઓ વચ્ચેના સંઘર્ષને ઉજાગર કર્યો છે.
કિંજલ દવે, જેઓ 'ચાર ચાર બંગડી વાળી ગાડી' જેવા ગીતોથી ગુજરાતી લોકસંગીતની રાણી બની છે, તેમણે ૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ધ્રુવિન એક અભિનેતા અને બિઝનેસમેન છે, અને આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. સગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં લાખો ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી, પરંતુ બ્રાહ્મણ સમાજના કેટલાક ભાગમાં આને જ્ઞાતિના નિયમોનું ઉલ્લંઘન ગણી વિરોધ શરૂ થયો. કાંકરેજના શિહોરીમાં યોજાયેલી બેઠકમાં કિંજલના પિતા લલિત દવે સહિત પરિવારને સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો.
આ નિર્ણય પર કિંજલે મૌન તોડીને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, "દીકરીઓને પાંખો આપીને પછી કાપવાની વાત કરનારા અસામાજિક તત્વો છે. હું મારા પિતા માટે ભગવાનને પણ નહીં છોડું." કિંજલે વધુમાં જણાવ્યું કે સમાજમાં હજુ પણ બાળવિવાહ, દહેજ અને અન્ય કુપ્રથાઓ ચાલે છે, ત્યારે વ્યક્તિગત પસંદગી પર આટલો વિરોધ કેમ? તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની સગાઈ પરિવારની સંમતિથી થઈ છે અને તેમને કાનૂની પગલાં લેવાનો પણ અધિકાર છે.
આ વિવાદમાં એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે: શું સમાજના માત્ર ૨-૩ વ્યક્તિઓ અથવા આગેવાનોને પૂરા સમાજ વતી નિયમો બનાવવાનો અને બહિષ્કાર કરવાનો હક છે? પુખ્ત વયની વ્યક્તિને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? ભારતીય બંધારણ વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી આપે છે, તો પછી જ્ઞાતિના નામે આવા નિર્ણયો કેટલા યોગ્ય છે?
સમાજના કેટલાક લોકો પરંપરા જાળવવાની વાત કરે છે, પરંતુ જ્યારે તે જ સમાજમાં બાળવિવાહ જેવી કુપ્રથાઓ ચાલતી હોય ત્યારે ચૂપ કેમ? કિંજલના કેસમાં તો પરિવાર પોતે સંમત છે, તો સમાજ આડો કેમ આવે? આ ઘટના દર્શાવે છે કે આધુનિક યુગમાં પણ જ્ઞાતિવાદી માનસિકતા કેટલી મજબૂત છે. કિંજલ જેવી યુવતીઓ પોતાના અધિકારો માટે લડી રહી છે, જે પ્રેરણારૂપ છે.
આખરે, પ્રેમ અને વ્યક્તિગત પસંદગી જ્ઞાતિની દીવાલોને તોડીને આગળ વધશે. કિંજલ દવેની આ સગાઈ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ સમાજમાં ફેરફારની શરૂઆત છે. સમાજે વિચારવું જોઈએ કે નિયમો માનવતા માટે છે કે માનવતા નિયમો માટે?
સજ્જાદ અલી નાયાણી ✍