શ્રીલંકામાં આવેલા વિનાશક વાવાઝોડા વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ફરી એકવાર ભારત વિરોધી ઝેર ઓકવાનો પ્રયાસ કર્યો. તેમનો દાવો હતો કે ભારતે માનવતાવાદી સહાય લઈ જતા પાકિસ્તાની વિમાનને પોતાનું હવાઈ ક્ષેત્ર વાપરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
પરંતુ હકીકત એ છે કે ભારતે માત્ર ૪.૫ કલાકની અંદર જ પાકિસ્તાનની વિનંતીને માનવતાના આધારે મંજૂરી આપી દીધી!
સોમવારે બપોરે ૧ વાગ્યે પાકિસ્તાને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી શ્રીલંકા માટે રાહત સામગ્રી લઈ જવા અધિકૃત વિનંતી કરી. ભારતે આ વિનંતીને અત્યંત ગંભીરતાથી લીધી અને સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં સત્તાવાર મંજૂરી આપી દીધી. આટલી ઝડપી કાર્યવાહી ભારતની માનવતાવાદી નીતિનું જીવંત ઉદાહરણ છે.
જ્યારે પાકિસ્તાને હજુ પણ ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ રાખ્યું છે, ત્યારે પણ ભારતે માનવતાને સર્વોપરી માનીને આ પગલું ભર્યું. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે, “પાકિસ્તાની મીડિયા ફરી એકવાર નિરાધાર દુષ્પ્રચાર કરી રહ્યું છે. આ ખોટા સમાચારો ભ્રામક અને પાયાવિહોણા છે.”
આ ઘટના ફરી સાબિત કરે છે કે ભારત હંમેશા માનવતા અને પડોશી દેશોની મદદ માટે તત્પર રહે છે, જ્યારે પાકિસ્તાનનું એજન્ડા માત્ર ભારતને બદનામ કરવાનું જ રહ્યું છે.