- Friday World September 22,2026
મુંબઈ - ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કાચા તેલના આકાશને આંબતા ભાવોએ દેશની તિજોરી પર મોટો બોજ નાખ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના એટલે કે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ભારતનું ક્રુડ ઓઈલ આયાત બિલ 48 ટકા વધીને લગભગ 75 અબજ ડોલર પર પહોંચી ગયું છે.
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ના ડેટા અનુસાર, આ વધારા પાછળનું કારણ તેલનો વપરાશ વધવો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં થયેલો તોતિંગ વધારો છે.
આંકડા શું કહે છે?
ગયા વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ભારતે 10.11 કરોડ ટન ક્રુડની આયાત કરી હતી, જ્યારે આ વર્ષે આ જ સમયગાળામાં આયાત 10.07 કરોડ ટન રહી છે. એટલે કે વોલ્યુમમાં તો થોડો ઘટાડો થયો છે, પરંતુ બિલમાં 48 ટકાનો વધારો થયો છે. એકલા ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો આયાત બિલ 18 ટકા વધીને 11.70 અબજ ડોલર થયું છે, જ્યારે વોલ્યુમ 3 ટકા ઘટીને 1.90 કરોડ ટન રહ્યું છે.
ભાવ 100 ડોલરને પાર કેમ?
આ ભાવ વધારા પાછળ મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં વકરેલું યુદ્ધ છે. ભૌગોલિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ફરી 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયા છે.
સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ક્રુડ બાસ્કેટનો સરેરાશ ભાવ 113.90 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો, જે ગયા વર્ષે આ જ મહિનામાં માત્ર 69.61 ડોલર હતો. લગભગ 44 ડોલરનો આ તફાવત સીધો ભારતના આયાત બિલ પર પડ્યો છે.
ભારત માટે કેમ ચિંતાનો વિષય?
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રુડ વપરાશકાર દેશ છે. આપણી કુલ જરૂરિયાતના 85 ટકા તેલ આપણે આયાત કરીએ છીએ. ભારત દર વર્ષે આશરે 2 અબજ બેરલ ક્રુડ આયાત કરે છે. આ સ્થિતિમાં ક્રુડના ભાવમાં 1 ડોલરનો વધારો થાય તો પણ દેશના આયાત બિલ પર વાર્ષિક 2 અબજ ડોલરનો વધારાનો બોજ પડે છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઝડપથી સામાન્ય ન થઈ, તો આ વર્ષનું કુલ આયાત બિલ ગયા વર્ષના રેકોર્ડને પણ તોડી શકે છે, જેની સીધી અસર રૂપિયા અને મોંઘવારી પર જોવા મળશે.
Sajjadali Nayani ✍
Friday World September 22,2026
#CrudeOil #IndiaOilImport #OilPriceHike #IndianEconomy #CrudeBill #OilMarket #Petroleum #EnergyCrisis #ImportBill #GlobalOilPrice