Thursday, 5 June 2025

મસ્કના પિતા પોતાની જ સાવકી દીકરીના 2 બાળકના બાપ!:પહેલી પત્નીને 'નકામી' અને 'મૂર્ખ' કહેતા, છરીથી હુમલો કર્યો હતો; ભારત મુલાકાતે આવેલ ઈરોલ મસ્કના 5 વિવાદ

મસ્કના પિતા પોતાની જ સાવકી દીકરીના 2 બાળકના બાપ!:પહેલી પત્નીને 'નકામી' અને 'મૂર્ખ' કહેતા, છરીથી હુમલો કર્યો હતો; ભારત મુલાકાતે આવેલ ઈરોલ મસ્કના 5 વિવાદ
25 મે 1946ના રોજ જન્મેલા ઈરોલનું બાળપણ દ.આફ્રિકાના પ્રિટોરિયામાં વીત્યું હતું. તેઓ એન્જિનિયરિંગ, પ્રોપર્ટી અને પન્નાના બિઝનેસમાં ઘણા પૈસા કમાયા હતા.

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક ઇલોન મસ્કના પિતા ઇરોલ ગ્રેહામ મસ્ક 5 દિવસની ભારતની મુલાકાતે છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઈરોલ ઇલેક્ટ્રો-મિકેનિકલ એન્જિનિયર, પાઇલટ, પ્રોપર્ટી ડેવલપર અને પન્ના વેપારી રહ્યા છે. તેમના જીવનમાં કેટલાક વિવાદો હતા, જેના કારણે તેમના અને તેમના પુત્ર ઇલોનના સંબંધો ચર્ચામાં રહ્યા હતા.

આ સ્ટોરીમાં ઇરોલ મસ્કના જીવન સાથે જોડાયેલા 5 મોટા વિવાદો...
1. સાવકી દીકરી જના બેઝુઇડેનહાઉટ સાથેનો સંબંધ

ઈરોલનો સૌથી મોટો વિવાદ છે- તેમની સાવકી દીકરી જના બેઝુઈડેનહાઉટ સાથેના તેમના સંબંધોનો છે. ઈરોલે 90ના દાયકામાં જનાની માતા હીડ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન લગભગ 2 વર્ષ સુધી ચાલ્યા. હીડથી અલગ થયા પછી ઈરોલે ઘણાં વર્ષો સુધી જનાને જોઈ નહોતી અને તેની સાથે કોઈ વાત પણ થઈ નહોતી.

2014માં તે જનાને ફરીથી મળ્યા. જના સંઘર્ષ કરી રહી હતી, તેથી તેણે ઈરોલને ફોન કર્યો. તે સમયે જનાને આઠ વર્ષની એક પુત્રી હતી. ઈરોલે મદદની ઓફર કરી અને આ ધીમે ધીમે સંબંધ રોમેન્ટિક રિલેશનશિપમાં ફેરવાઈ ગયો. આ સંબંધથી તેમને બે બાળક થયાં .

2017માં પુત્ર એલિયટ રશ અને 2019માં એક પુત્રી. ઈરોલે તેને "ભગવાનની ઇચ્છા" ગણાવી હતી, પરંતુ ઇલોનને આ બિલકુલ ગમ્યું નહીં. ઈલોને એને ખોટું ગણાવ્યું અને પોતાનાં બાળકોને ઇરોલથી દૂર રાખવાનું નક્કી કર્યું.

આ સંબંધે માત્ર પરિવારમાં તણાવ જ નહીં, પણ મીડિયામાં પણ ઘણો હોબાળો મચાવ્યો. લોકો તેને અનૈતિક માનતા હતા, કારણ કે ઈરોલ જનાને ત્યારથી ઓળખતા હતા જ્યારે તે માત્ર ચાર વર્ષની હતી.

2. પહેલી પત્ની માયે મસ્ક પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ

ઈલોન મસ્કની માતા અને ઈરોલની પહેલી પત્ની માયે મસ્ક સાથે તેમના લગ્ન 1970થી 1979 સુધી ચાલ્યા હતા. તેમના પુસ્તકમાં માયેએ જણાવ્યું હતું કે ઈરોલ તેની સાથે ખરાબ વર્તન કરતા હતા. તેઓ તેમને "નકામી" અને "મૂર્ખ" કહેતા હતા. માયે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે છૂટાછેડા દરમિયાન, ઈરોલ છરી લઈને તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારે માયેએ પોતાનો જીવ બચાવવા માટે પાડોશમાં ભાગી જવું પડ્યું હતું.

ઈલોને પણ તેની માતાના નિવેદનને સમર્થન આપ્યું અને કહ્યું કે તેના પિતા પણ તેમની સાથે કઠોર વર્તન કરતા હતા, જોકે ઈરોલ આ આરોપોને ખોટા ગણાવે છે અને કહે છે કે આ બાબતોને તોડીમરોડીને રજૂ કરવામાં આવી છે. આ વિવાદ તેમની છબિ માટે મોટો ઝટકો રહ્યો હતો.

3. ઈલોન મસ્ક સાથે તણાવ અને જાહેર ઝઘડો

ઈરોલ અને ઈલોનના સંબંધો હંમેશાં તણાવપૂર્ણ રહ્યા છે. 2017માં એક ઇન્ટરવ્યૂમાં ઈલોને તેના પિતાને "ભયંકર માણસ" કહ્યા હતા અને તેમણે બાળપણમાં તેની સાથે દુર્વ્યવહાર અને માનસિક દબાણ કરવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. ઈલોને તેની બાયોગ્રાફીમાં જણાવ્યું હતું કે તેને એક વખત સ્કૂલમાં માર મારવામાં આવ્યો હતો. તેનો ચહેરો એટલો સૂજી ગયો હતો કે તેની આંખો માંડ માંડ દેખાતી હતી.

સ્કૂલમાં થયેલી મારામારી પછી મસ્કના પિતા ઈરોલે તે બાળકનો પક્ષ લીધો, જેણે ઈલોનના મોઢા પર મુક્કો માર્યો હતો. જ્યારે ઈલોન હોસ્પિટલમાંથી ઘરે આવ્યો ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો. ઈલોન યાદ કરતાં કહે છે, 'મારે એક કલાક ત્યાં ઊભા રહેવું પડ્યું હતું, તેઓ બૂમો પાડીને મારા પર ખીજાઈ રહ્યા હતા અને કહેતા હતા કે તું સાવ નકામો છે.' તેનો ભાઈ કિમ્બલ કહે છે કે મારા પિતા (ઈરોલ) વારંવાર આવું કરતા હતા. તેમનામાં જરા પણ દયા નહોતી.

4. રંગભેદ પર વિવાદાસ્પદ નિવેદન

ઈરોલે 1994 સુધી ચાલેલી દક્ષિણ આફ્રિકાની રંગભેદ વ્યવસ્થા વિશે કેટલાંક નિવેદનો આપ્યાં, તેનાથી વિવાદ થયો. 2018માં તેમણે કહ્યું હતું કે રંગભેદ દરમિયાન કેટલાક લોકોનું જીવન "એટલું ખરાબ નહોતું." આ નિવેદન લોકોને ખૂબ જ ખરાબ લાગ્યું, કારણ કે રંગભેદે લાખો લોકોને ભેદભાવના શિકાર બનાવ્યા હતા. ઈલોને હંમેશાં રંગભેદનો વિરોધ કર્યો હતો અને તેથી 17 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકા છોડી દીધું હતું..

5. વિશ્વાસપાત્ર ન હોવાનો આરોપ

ઈલોન મસ્ક કહે છે કે ઈરોલના શબ્દો પર વિશ્વાસ કરી શકાય નહીં. તેમણે તેમના પિતાને "જૂઠા" ગણાવ્યા હતા, જે તેમની કહાનીઓને તોડીમરોડીને રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, ઈરોલે 2025માં દાવો કર્યો હતો કે તેમણે ઈલોનની દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ફોન પર વાત કરાવી હતી, પરંતુ આ વાતની કોઈ પુષ્ટિ નથી. તેમનાં નિવેદનો ઘણીવાર વિરોધાભાસી હોય છે, જે તેમની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરે છે.

ઇલોનની તેના પિતા સાથેની ખરાબ યાદો, પણ ફિઝિક્સ તેમણે જ શીખવ્યું

ભલે ઈલોન મસ્કને તેના પિતા ઈરોલ સાથે ખરાબ યાદો રહી છે, પરંતુ તે ફિઝિક્સ, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનના મૂળભૂત સિદ્ધાંતો શીખવવાનું શ્રેય તેના પિતાને જ આપે છે. આના કારણે જ ઈલોન ટેસ્લા અને સ્પેસએક્સ જેવી ઈનોવેટિવ કંપનીઓ બનાવી શક્યા. મસ્ક કહે છે, 'તેના પિતાનું શિક્ષણ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે.'