સુરત શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિરુદ્ધ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. શ્રી સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના સભ્યોએ અને હરિભક્તોએ સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રદર્શન કર્યું હતું. સ્વામી ઘનશ્યામ કંડારી અને અન્ય સાધુઓ પર અમુક હરિભક્તોએ લંપટ અને અનૈતિક વર્તનના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે હરિભક્તોમાં રોષ ફેલાયો છે અને તેઓએ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને "લંપટ સાધુઓ હટાવો, સંપ્રદાય બચાવો" જેવા સૂત્રો લગાવતા જોવા મળ્યા. અનેક વિરોધીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવારનવાર થતા વિવાદાસ્પદ કિસ્સાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી.
વિરોધકોએ લંપટ સાધુઓની હકાલપટ્ટી કરવા, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરવા અને સંપ્રદાયની પવિત્રતા જાળવવા કડક નિયમો લાગુ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હરિભક્તોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવા ચીમકી ઉચ્ચારી છે.